બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામ પાસે વહેલી સવારે એક અત્યંત ભયાનક અને હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે જતી એક કાર અચાનક રોડ સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તેઓ જીવતા ભુંજાઈ ગયા હતા.

ઓઢવા પાસે કાળમુખો અકસ્માત

મળતી માહિતી મુજબ, વહેલી સવારે ઓઢવા પાસે પસાર થઈ રહેલી કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં તુરંત જ આગ લાગી ગઈ અને જોતજોતામાં આખી કાર અગનગોળો બની ગઈ હતી. કારમાં સવાર બંને વ્યક્તિઓ આગની જ્વાળાઓમાં લપેટાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોતને ભેટ્યા હતા.

કારમાં લાગેલી આગમાં બેના મોતને 

આ ભયાનક અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને દાંતીવાડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરની ટીમને બોલાવવામાં આવી હતી, જેમણે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને અંદર સવાર લોકોના માત્ર અસ્થિશેષ જ બચ્યા હતા.

આ પણ વાંચો: Morbi: 11 લાખના બદલે 2.43 કરોડ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી, બે વ્યાજખોરો સામે ગુનો દાખલ