બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અંબાજી હાઈવે પરથી એક માસૂમ બાળકના અપહરણની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. જોકે, બનાસકાંઠા પોલીસે ત્વરિત એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ અપહૃત બાળકને મુક્ત કરાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ચોકલેટની લાલચ આપી ગાડીમાં બેસાડ્યો
ઘટનાની વિગત મુજબ, પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીક એક શ્રમિક પરિવારનું બાળક રમી રહ્યું હતું. આ દરમિયાન એક અજાણ્યો ઈસમ ગાડી લઈને આવ્યો હતો અને માસૂમ બાળકને ચોકલેટની લાલચ આપી પોતાની ગાડીમાં બેસાડીને હાઈવે પર ફરાર થઈ ગયો હતો. બાળકના ગાયબ થતા જ પરિવારે તુરંત પોલીસને જાણ કરી હતી.
LCB અને SOG એ હાથ ધર્યું ઓપરેશન
બાળકના અપહરણની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમો કામે લાગી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનો પીછો કર્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમોએ નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દાંતાના નારગઢ પાસેથી આરોપી ઝડપાયો
પોલીસની સતર્કતાને કારણે આરોપી વધુ દૂર ભાગી શક્યો નહોતો. LCB અને SOG એ સંયુક્ત કાર્યવાહી કરીને દાંતાના નારગઢ નજીકથી આરોપી ગાડી ચાલકને આંતરી લીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી બાળકને હેમખેમ મુક્ત કરાવી તેના પરિવારને સોંપ્યો હતો.
આ પણ વાંચો: Gir Somnath: લાટી ગામે દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી, 1900 લીટર આથો અને 140 લીટર દારૂ ઝડપાયો