રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ અત્યારે કડકડતી ઠંડીની પકડમાં છે. અહીં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવ્યો છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસીઓ હાડ થીજાવતી ઠંડીમાં ઠૂઠવાયા છે. ભારે ઠંડીના કારણે સવારના સમયે જનજીવન પ્રભાવિત થયું છે.
ઠંડીનો પારો ગગડ્યો
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ખુલ્લામાં પડેલા વાહનોના કાચ અને બાગ-બગીચાઓમાં ઘાસ પર બરફની પાતળી ચાદર જામી ગઈ હતી. આ દ્રશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, પરંતુ સાથે સાથે લોકોને ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવાની ફરજ પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.
