બનાસકાંઠાના પાલનપુર ખાતે સારવાર હેઠળ રહેલા સાંતલપુરના મામલતદાર ડી.ડી. પંડ્યાની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન તેમના પુત્ર રોહિત પંડ્યાએ મીડિયા સમક્ષ પિતા પર થયેલા માનસિક ત્રાસની વિગતો આપતા ખળભળાટ મચી ગયો છે.
સાંતલપુર મામલતદાર આત્મહત્યા પ્રયાસ મામલો
રોહિત પંડ્યાના જણાવ્યા અનુસાર, તેમના પિતાને છેલ્લા 4 વર્ષથી કોઈ અજ્ઞાત શખ્સો અથવા ટોળકી દ્વારા સતત પરેશાન કરવામાં આવી રહ્યા હતા. મામલતદારને કોઈ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને બ્લેકમેલ કરવામાં આવતા હતા. છેલ્લા ચાર વર્ષથી આ શખ્સો સતત પૈસાની માંગણી કરીને પિતાને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા હતા. રોહિતે જણાવ્યું કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ આખી ગેંગ આમાં સંડોવાયેલી છે. જો પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે તો ઘણા મોટા નામો બહાર આવી શકે છે.
