ગુજરાતમાં માદક પદાર્થોના પ્રવેશને રોકવા માટે સતર્ક બનેલી પોલીસે બનાસકાંઠાની ખોડા ચેકપોસ્ટ પરથી એક મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતા લાખો રૂપિયાના MD ડ્રગ્સ સાથે પોલીસે એક દંપતી અને કાર ચાલકની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે, પોલીસની તપાસથી બચવા માટે આરોપીઓએ કાર પર રાજકીય પાર્ટીનું બોર્ડ લગાવ્યું હતું.
ચેકપોસ્ટ પર ફિલ્મી ઢબે તપાસ
થરાદ પોલીસની ટીમ ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, ત્યારે રાજસ્થાન તરફથી આવતી એક સ્વિફ્ટ કાર (નંબર: DL-02-CBC 4878) શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. આ કાર પર "ભગવા પાર્ટી કેસરી પ્રક્રોષ્ટ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ" લખેલું બોર્ડ મારેલું હતું, જેથી પોલીસ તેમને અટકાવે નહીં. જોકે, પોલીસે કડકાઈથી તપાસ કરતા કારમાંથી 146 ગ્રામ મેથા એમ્ફેટામેઇન (MD ડ્રગ્સ) મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹14.60 લાખ થાય છે.










