બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ પાસે બાર દિવસ અગાઉ સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતમાં વધુ એક કરૂણ સમાચાર સામે આવ્યા છે. ટ્રક અને ઇનોવા ગાડી વચ્ચે થયેલી એ ભયાનક ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 12 વર્ષના બાળકનું 12 દિવસની લાંબી સારવાર બાદ હોસ્પિટલમાં જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ સાથે જ આ અકસ્માતનો કુલ મૃત્યુઆંક હવે 9 પર પહોંચી ગયો છે.
સારવાર કારગત ન નીવડી
મળતી માહિતી મુજબ, બાર દિવસ અગાઉ ઇકબાલગઢ પાસે ટ્રક અને ઇનોવા ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 12 વર્ષના મોહમ્મદ સાદને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેને બચાવવા માટે આટોપ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, જીવન અને મરણ વચ્ચેની 12 દિવસની લડાઈ બાદ અંતે આ માસૂમે દમ તોડ્યો હતો.
