બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઈકબાલગઢ નેશનલ હાઈવે પર આજે કાળમુખો અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. રોંગ સાઈડથી આવતા એક બેફામ ટ્રકે કારને અડફેટે લેતા આ ભયાનક દુર્ઘટના ઘટી હતી.
બનાસકાંઠા- ઈકબાલગઢ હાઈવે પર મોતનું તાંડવ
પ્રાપ્ત વિગતો અનુસાર, અમીરગઢના ઈકબાલગઢ નજીક હાઈવે પર એક આઈસર ટ્રક અને ઈનોવા ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે રોંગ સાઈડથી આવતો ટ્રક સીધો જ ગાડી પર ચડી ગયો હતો, જેના કારણે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર ૬ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
3 લોકોની હાલત ગંભીર
આ અકસ્માતમાં અન્ય ૩ લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બનતા જ આસપાસના લોકો અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ કાર્યવાહી અને ટ્રાફિક
ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જેસીબીની મદદથી ગાડીના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાઈવે પર અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
આ પણ વાંચો: ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણથી રોષ, સાંસદ અને ધારાસભ્યએ પોલીસ વડા સમક્ષ કડક રજૂઆત કરી