બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ અનરાધાર વરસાદને કારણે ડીસા માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવવામાં આવેલી ખેત જણસીઓ પલળી ગઈ છે. ખાસ કરીને બાજરી અને રાયડાના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સૂચના છતાં વેપારીઓની લાપરવાહી

મળતી માહિતી મુજબ, માર્કેટ યાર્ડ દ્વારા અગાઉથી જ વરસાદની આગાહીને પગલે તમામ જણસીઓને સુરક્ષિત સ્થળે અથવા શેડ નીચે રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આમ છતાં, વેપારીઓએ આ સૂચનાને ગંભીરતાથી લીધી નહોતી અને રાયડા તથા બાજરીની હજારો બોરીઓ ખુલ્લા મેદાનમાં જ રાખવામાં આવી હતી. વહેલી સવારે પડેલા વરસાદને કારણે આ તમામ બોરીઓ ભીંજાઈ ગઈ છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

પાક બગડતા ખેડૂતોમાં ભારે રોષ

એક તરફ ખેડૂતો કાળી મજૂરી કરીને પોતાનો પાક યાર્ડમાં લાવે છે, ત્યારે વેપારીઓની આવી ગંભીર બેદરકારીને કારણે તૈયાર પાક બગડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાયડો અને બાજરી જેવા પાક પલળી જવાથી તેની ગુણવત્તા બગડે છે અને બજારમાં તેના યોગ્ય ભાવ મળતા નથી.

આ પણ વાંચો: Surat: ભાગળ અને ચૌટાપુલ બજારમાં મનપાના આરોગ્ય વિભાગનો સપાટો, અખાદ્ય ખોરાકનો નાશ અને મસમોટો દંડ