સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ મોડી સાંજે શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારો એવા ભાગળ અને ચૌટાપુલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાની આ અચાનક કાર્યવાહીથી ખાણીપીણીના લારી-ગલ્લા ધારકો અને વેપારીઓમાં ભારે ફફરાટ ફેલાયો હતો.

સુરત આરોગ્ય વિભાગની કાર્યવાહી

આરોગ્ય વિભાગની ટીમોએ આ વિસ્તારમાં આવેલી અંદાજે 227 જેટલી સંસ્થાઓ અને એકમોમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો અંદાજે 27 કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને પ્રતિબંધિત એવા 24 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ નિયમભંગ બદલ પાલિકા દ્વારા કુલ ₹31,400ની વહીવટી પેનલ્ટી (દંડ) વસૂલવામાં આવી છે.

સ્વચ્છતા અંગે અપાઈ સમજ

માત્ર દંડ જ નહીં, પરંતુ આરોગ્ય વિભાગે વેપારીઓને સ્વચ્છતા જાળવવા અંગે કડક સૂચનાઓ પણ આપી હતી. દરેક વેપારીને સુકો કચરો અને ભીનો કચરો અલગ રાખવા માટે ડસ્ટબીન રાખવા તાકીદ કરવામાં આવી હતી. જાહેર રસ્તાઓ પર ગંદકી ન કરવા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવી રાખવા માટે પણ વેપારીઓને સમજૂતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં નકલી નોટોનું મોટું રેકેટ ઝડપાયું, અમદાવાદ-સુરતમાંથી 2.90 કરોડની ડુપ્લીકેટ નોટો સાથે 6ની ધરપકડ