ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા અને લાખો દિલોની ધડકન એવા વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવા અંગે અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત 'ભવાનીધામ સંકલ્પ યાત્રા'માં હાજરી આપવા પહોંચેલા અભિનેતાએ જાહેર મંચ પરથી પોતાની રાજકીય મહત્વકાંક્ષા સ્પષ્ટ કરી દીધી છે, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


જાહેર મંચ પરથી મોટી જાહેરાત

અંબાજી ખાતે આયોજિત કાર્યક્રમમાં અભિજિતસિંહ બારડ અને ક્ષત્રિય સમાજના અન્ય દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિક્રમ ઠાકોરે સંબોધન કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "આજે નહીં તો કાલે, હું રાજકારણમાં ચોક્કસ જોડાઈશ." અગાઉ પણ અનેકવાર વિક્રમ ઠાકોરના રાજકારણમાં પ્રવેશ અંગે અટકળો તેજ બની હતી, પરંતુ આ વખતે તેમણે ખુદ જાહેર મંચ પરથી આ વાત સ્વીકારીને તમામ ચર્ચાઓ પર મહોર મારી દીધી છે.

ભવાનીધામ સંકલ્પ યાત્રામાં આપી હાજરી

વિક્રમ ઠાકોર ભવાનીધામ સંકલ્પ યાત્રાના પ્રસંગે અંબાજી દર્શનાર્થે આવ્યા હતા. અહીં સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં તેમણે આપેલા આ નિવેદનને ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરની લોકચાહના અને વિશાળ ચાહક વર્ગને જોતા, તેમના રાજકારણમાં આવવાથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.

રાજકીય પક્ષોમાં ઉત્તેજના

વિક્રમ ઠાકોર કયા પક્ષમાં જોડાશે તે અંગે તેમણે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ઠાકોર સમાજ અને ગ્રામીણ જનતામાં તેમનો ભારે પ્રભાવ હોવાથી દરેક પક્ષ તેમને પોતાની સાથે જોડવા ઈચ્છશે. અગાઉ પણ અનેક ગુજરાતી કલાકારો રાજકારણમાં નસીબ અજમાવી ચૂક્યા છે, ત્યારે હવે વિક્રમ ઠાકોરની આ એન્ટ્રી કેટલી જોરદાર રહેશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: સસ્તા અનાજના દુકાનદારોનો વિરોધ, પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદન આપી આંદોલનની ચીમકી

  • Follow us on: