સુરત જિલ્લાના બારડોલી નગરમાં યોજાયેલી ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. 'સંદેશ ન્યૂઝ' દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જાહેર સ્ટેડિયમમાં બેસીને બિયર પીનારા બુટલેગરના પુત્ર મેહુલ હસુ રાઠોડની પોલીસે ધરપકડ કરી લીધી છે.
બુટલેગરના પુત્રનો વીડિયો થયો હતો વાયરલ
બારડોલીમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન પ્રેક્ષક બોક્સમાં બેસીને એક શખ્સ જાહેરમાં બિયર પી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસ કરતા આ શખ્સ સ્થાનિક બુટલેગરનો પુત્ર મેહુલ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત જેવા નશાબંધી ધરાવતા રાજ્યમાં ખેલ જગતના કાર્યક્રમમાં આ પ્રકારે નશો કરવો તે ગંભીર બાબત હતી.
પોલીસની કડક કાર્યવાહી અને મેડિકલ ટેસ્ટ
વીડિયોના આધારે બારડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મેહુલ હસુ રાઠોડને હિરાસતમાં લીધો હતો. પોલીસ તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ ગઈ હતી. મેડિકલ રિપોર્ટમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું કન્ફર્મ થતા પોલીસે કાયદેસરની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.
આયોજકો સામે પણ તપાસનો ગાળિયો
આ ઘટનાને પગલે પોલીસે ટૂર્નામેન્ટના આયોજકોને પણ પૂછપરછ માટે તેડું મોકલ્યું છે. સ્ટેડિયમમાં કડક સુરક્ષા હોવા છતાં નશો કરનાર વ્યક્તિ અંદર કેવી રીતે પહોંચી અને આયોજકોએ કેમ ધ્યાન ન આપ્યું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આયોજકોના નિવેદનો બાદ પોલીસ વધુ કડક પગલાં ભરી શકે છે. હાલમાં બારડોલી પોલીસે તમામ પાસાઓ તપાસીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો--- Rajkot : દુષ્કર્મના આક્ષેપ બાદ વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયોમાં ખોલી શિક્ષિકાની પોલ