બારડોલી તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તાલુકા પંચાયતની અસ્તાન બેઠક પરથી કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ધર્મેશ રાઠોડનું ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. ઉમેદવારના આકસ્મિક નિધનને પગલે અસ્તાન બેઠકની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાંબી સારવાર બાદ દમ તોડ્યો

મળતી માહિતી મુજબ, ધર્મેશ રાઠોડ છેલ્લા કેટલાક દિવસોથી નાદુરસ્ત તબિયતનો સામનો કરી રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગત રોજ રાત્રે જ તેમને સુરતથી ફરી બારડોલીની સરદાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કોંગ્રેસના પાયાના નેતા હતા

ધર્મેશ રાઠોડ બારડોલી કોંગ્રેસના વર્ષો જૂના અને સક્રિય યુવા નેતા તરીકે જાણીતા હતા. પાયાના કાર્યકર તરીકેની તેમની છબી અને પક્ષ પ્રત્યેની વફાદારીને કારણે જ કોંગ્રેસ દ્વારા તેમને અસ્તાન બેઠક પરથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમના નિધનથી કોંગ્રેસ પક્ષમાં મોટી ખોટ પડી છે અને કાર્યકરોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો:Bhavnagar: તળાજામાં વૃદ્ધ સોની દંપતીની સળગેલી હાલતમાં મૃતદેહ મળતા અરેરાટી, મધરાતે બનેલી ઘટનાથી રહસ્ય ઘેરાયું