સામખિયાળી-ભચાઉ હાઈવે પર માલવાહક ટ્રેલર અને ગેસના ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેન્કરના વાલ્વમાં ખામી સર્જાતા ગેસ લીકેજ શરૂ થઈ ગયું હતું. ગેસ હવામાં ફેલાતા આગ લાગવાની સંભાવનાને જોતા પોલીસે તાત્કાલિક અસરથી હાઈવેને 'વન-વે' કરી દીધો હતો અને વાહનવ્યવહાર પર નિયંત્રણ લાદ્યું હતું.

ટ્રેલર અને ગેસના ટેન્કર વચ્ચે અકસ્માત 

અકસ્માતને પગલે ટેન્કરનો ચાલક કેબિનમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો. હાઈવેની ટીમ અને સ્થાનિક પોલીસે ભારે જહેમત બાદ તેને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી તરફ, ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી અને ટેકનિકલ ટીમની મદદથી સતત ત્રણ કલાકની જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો.

તંત્રની કામગીરીની પ્રશંસા

જો ગેસ લીકેજ સમયે સહેજ પણ ચિંગારી ઉઠી હોત તો હાઈવે પર મોટો વિસ્ફોટ થઈ શકત. પરંતુ કચ્છ પોલીસ, ફાયર ટીમ અને હાઈવે રેસ્ક્યૂ ટીમની સમયસૂચકતાને કારણે સંભવિત મોટી દુર્ઘટનાને નિવારી શકાઈ છે. હાલમાં હાઈવે પર સ્થિતિ સામાન્ય છે અને ટેન્કરને માર્ગ પરથી હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: લક્ઝરી બસોના જમાવડાએ સરથાણાથી કામરેજ સુધીના રસ્તાને ટ્રાફિક ઝોન બનાવ્યો