કચ્છ જિલ્લામાં નશાબંધીના કડક અમલ વચ્ચે ભચાઉ પોલીસે એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભચાઉ નજીક આવેલા પ્રગટ પહાડી હનુમાન મંદિરના પરિસરમાં જ ગાંજાનું ગેરકાયદેસર વાવેતર થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી લાખોની કિંમતનો નશીલો જથ્થો ઝડપી પાડ્યો છે.
મંદિરના પરિસરમાં 'લીલું સોનું' ઉગાડ્યું
ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે મંદિરની આડમાં પ્રતિબંધિત માદક પદાર્થનું વાવેતર કરવામાં આવ્યું છે. પોલીસે જ્યારે પ્રગટ પહાડી હનુમાન મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી ત્યારે ત્યાં ગાંજાના નાના-મોટા કુલ 59 છોડ ઉગેલા જોવા મળ્યા હતા. પવિત્ર ગણાતા મંદિરના પ્રાંગણમાં જ આ પ્રકારે નશાની ખેતી જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
