પાટણ જિલ્લાના ચાણસ્મામાં આવેલી નર્મદા મેઈન કેનાલ પ્રોજેક્ટ વિભાગ-3ની કચેરીમાં આજે હડકંપ મચી ગયો હતો. જમીન સંપાદન મામલે અરજદારને વળતરની રકમ ન ચૂકવતા કડી પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટના જજ દ્વારા કડક વલણ અપનાવીને એજ્યુકેટિવ એન્જિનિયરની ઓફિસને સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
24 વર્ષથી વળતર માટે અરજદારના ધક્કા
ઘટનાની વિગત મુજબ, મોઢેરાથી ઘારિયાલ રોડ પર આવેલી અરજદારની જમીન નર્મદા યોજનાના રોડ માટે સંપાદન કરવામાં આવી હતી. આ જમીન પેટે અરજદારને રૂ. 4,30,000 થી વધુની રકમ વર્ષ 2001થી વ્યાજ સાથે લેવાની બાકી નીકળતી હતી. બે દાયકાથી વધુનો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા નાણાંની ચૂકવણી કરવામાં ન આવતા આખરે કોર્ટે મિલકત જપ્તીનું વોરન્ટ ઇસ્યુ કર્યું હતું.
