ભરુચ જિલ્લાના સામોજ ગામે એક ચોંકાવનારી અને કરૂણ ઘટના સામે આવી છે, જેમાં પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પત્નીની હત્યા, પતિનો આપઘાતનો પ્રયાસ
પ્રાથમિક માહિતી મુજબ, સામોજ ગામના રહેવાસી બુધેસંગભાઈ શંકરભાઈ પઢિયાર નામના પતિએ તેમની પત્ની ગીતાબેનની હત્યા કરી દીધી હતી. મૃતક ગીતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.પત્નીની હત્યા કર્યા બાદ પતિ બુધેસંગભાઈ પઢિયારે પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમની હાલત ગંભીર બની હતી.
હત્યારા પતિને હોસ્પિટલે ખસેડાયો
આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ગ્રામજનો એકઠા થયા હતા અને ઈજાગ્ર્રસ્ત પતિ બુધેસંગભાઈને સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ હત્યારા પતિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.સમગ્ર ઘટનાની જાણ વેડચ પોલીસ ને થતા પોલીસનો કાફલો તાત્કાલિક સામોજ ગામે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક પત્ની ગીતાબેનના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં હત્યાનું ચોક્કસ કારણ અકબંધ છે અને વેડચ પોલીસે હત્યા અને આપઘાતના પ્રયાસના આ બેવડા મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં કૌટુંબિક ઝઘડો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે શોધવામાં આવશે.
આ પણ વાંચો: શિક્ષણના ધામને કલંકિત કરતા દ્રશ્યો, દારૂ પીને શાળામાં સૂતેલા શિક્ષકનો વીડિયો વાયરલ