ભરૂચ જિલ્લાના આમોદ-કરજણ માર્ગ પર આજે એક મોટો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ચકલાડ ગામ નજીક ટ્રક, આઈશર ટેમ્પો અને એક ઇનોવા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર
ઘટનાની મળતી માહિતી અનુસાર, આમોદ-કરજણ માર્ગ પરથી પસાર થઈ રહેલા ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, તેને જોવા માટે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અંદાજે 3 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
