ભરૂચના આમોદનગરમાં ગત રોજ મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમસંબંધની આંતરિક અદાવતમાં ઉશ્કેરાયેલા હુમલાખોરે એક યુવક પર ચપ્પુ વડે તૂટી પડીને તેને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે, જ્યારે નગરમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
સમગ્ર વિવાદ અને હત્યા પાછળનું કારણ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર છે. મૃતક યુવાન મહેબૂબ મહિડા ઉર્ફે લાલા (ઉંમર વર્ષ આશરે 25 થી 30) ના કૌટુંબિક ભાઈની પત્નીને હત્યારાના ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની ચાલતી આંતરિક અદાવત અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. જેમાં સાહીલ રણજિત ચૌહાણ નામના યુવાને મહેબૂબ મહિડા પર ચપ્પુ વડે હિંસક હુમલો કરી દીધો હતો. સાહીલે મહેબૂબના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય અંગો પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે અતિશય લોહી વહી જતાં મહેબૂબનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
