ભરૂચ GIDCમાં લાગેલી આગ બાદ પીડિતોને ન્યાય અપાવવાના નામે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી 'લાફાબાજી' અને ધમાલનો મામલો હવે જોર પકડી રહ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, એક જવાબદાર ધારાસભ્ય તરીકે કોઈને લાફો મારવો કે કાયદો હાથમાં લેવો તે જરાય યોગ્ય નથી.


"ચૈતર વસાવા કાયમ આવું જ કરતા આવ્યા છે"

મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે કામદારોના મોત થયા છે તેમને યોગ્ય વળતર મળે તે માટે અમે પહેલેથી જ તંત્ર અને કંપની સાથે વાતચીત કરી છે. પરંતુ ચૈતર વસાવાની આદત કાયમ આવી જ રહી છે. એક લોકપ્રતિનિધિ તરીકે તેમણે યોગ્ય રીતે રજૂઆત કરવી જોઈએ, તેને બદલે ગેટ કૂદીને અંદર જવું અને સુરક્ષાકર્મીઓ કે અન્ય સાથે આવી વર્તણૂક કરવી તે પદની ગરિમાને શોભતું નથી.

AAP પર ‘તોડપાણી’નો આક્ષેપ

સાંસદે આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "AAP ના નેતાઓ આવી દુઃખદ ઘટનાઓમાં માત્ર 'તોડપાણી' કરવા માટે જ આવતા હોય છે." તેમણે વધુમાં યાદ અપાવ્યું કે, તાજેતરમાં જ કોર્ટ દ્વારા શરતોને આધીન તેમને ડેડિયાપાડામાં પ્રવેશ મળ્યો છે, અને બે-ત્રણ દિવસમાં જ તેમણે ફરી આવી બબાલ કરીને પોતાની માનસિકતા છતી કરી છે.

ન્યાય અપાવવાની પદ્ધતિ કાયદાકીય હોવી જોઈએ

મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે, પીડિતોને ન્યાય અપાવવાની પદ્ધતિ કાયદાકીય હોવી જોઈએ, નહીં કે ગુંડાગીરીભરી. આ નિવેદન બાદ ભરૂચ અને નર્મદાના રાજકારણમાં ભાજપ અને ‘આપ’ વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની છે.


આ પણ વાંચો---   Bharuch : ઝઘડિયા GIDC આગ દુર્ઘટનામાં કામદારનું મોત, ચૈતર વસાવા અને મૃતકના પરિવારજન વચ્ચે સામ સામે લાફાવાળી

  • Follow us on: