ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDC માં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટનાએ હવે ગંભીર વળાંક લીધો છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા કામદાર રાકેશ વસાવાનું સુરતની યુનિવર્સલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં કુલ 15 જેટલા કામદારો દાઝ્યા હતા, જે પૈકી રાકેશ વસાવાની હાલત અત્યંત નાજુક હતી.
પરિવારનો ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ
આ કરુણ ઘટના બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કંપનીની મુલાકાત લીધી હતી. જોકે, તેમની આ મુલાકાત વિવાદોમાં સપડાઈ છે. મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રોશન વસાવાએ ચૈતર વસાવા સામે અત્યંત આકરા પ્રહારો કરતા સનસનાટી મચાવી દીધી છે. રોશન વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચૈતર વસાવા માત્ર પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે. અમે તેમને બોલાવ્યા નથી, છતાં તેઓ અહીં આવી પહોંચ્યા છે."
"વાતાવરણ ડહોળવાનો પ્રયાસ"
મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે કંપની સાથે તેમનું સુખદ સમાધાન થઈ ગયું છે, તેમ છતાં ચૈતર વસાવા ત્યાં આવીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને શાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોશન વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે, જો આ વિસ્તારમાં કોઈ હુલ્લડ થશે કે શાંતિ ભંગ થશે તો તેના માટે સંપૂર્ણ જવાબદાર ચૈતર વસાવા રહેશે.
ચૈતર વસાવા અને પરિવારજનો વચ્ચે ઉગ્ર ઝપાઝપી
ચૈતર વસાવા અને પરિવારજનો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઇ હતી જેના પગલે ભારે તંગદીલીભર્યું વાતાવરણ બન્યું હતું. મૃતકના પરિવારજનો MLA ચૈતર વસાવા પર ગુસ્સે થયા હતા અને મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા સાથે ઝપાઝપી કરી હતી. ચૈતર વસાવા સાથે ઝપાઝપીનો વીડિયો પણ વાયરલ થયો છે. મૃતકના પરિવારજન સાથે ચૈતર વસાવાએ લાફો મારતા સામે મૃતકના પરિવારજને પણ ચૈતર વસાવાને લાફા માર્યા હતા
આ પણ વાંચો---- Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!