ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આજે ફરી એકવાર આગની ગમખ્વાર ઘટના સામે આવી છે. સાયખા GIDCમાં આવેલી 'ટી-વેન્ચર'નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં કોઈ કારણસર આગ લાગી હતી, જેણે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ સાયખા GIDC અને આસપાસના વિસ્તારના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
