ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા ડાભા ગામે દીપડાનો ભયાનક આંતક યથાવત જોવા મળી રહ્યો છે. માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં દીપડા દ્વારા પશુનું મારણ કરવાની આ બીજી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા મુસ્તાક મુલતાનીના તબેલામાં રાત્રિના સમયે ઘૂસેલા દીપડાએ માલધારીના પાડાના બચ્ચા પર ત્રાટકીને તેને દબોચી લીધું હતું અને ફાડી ખાઈને તેનું કરુણ મારણ કર્યું હતું.

નજીકના ખેતરોમાં દીપડાના પંજાના નિશાન મળ્યા

ઘટના બાદ સવારે આસપાસના ખેતરોમાં તપાસ કરતા દીપડાના સ્પષ્ટ પંજાના નિશાન જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, માત્ર બે દિવસ પહેલાં જ ડાભા ગામની બિલકુલ બાજુમાં આવેલા સારોદ ગામની સીમમાં પણ દીપડો મુક્તપણે વિચરતો જોવા મળ્યો હતો. સીમ વિસ્તાર બાદ હવે ગામના તબેલા સુધી દીપડો આવી પહોંચતાં સમગ્ર પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

પાંજરું ગોઠવી દીપડાને તાત્કાલિક ઝડપી લેવા પાડી ગ્રામજનોની માંગ

ડાભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત દીપડાના વધી રહેલા આંટાફેરા તેમજ પશુઓ પર થઈ રહેલા હુમલાઓને પગલે સ્થાનિકો પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતિત બન્યા છે. સીમમાં કામ કરતા ખેડૂતો અને રાત્રિના સમયે ખેતરે જતા ગ્રામજનોનું જીવન જોખમમાં મુકાયું છે. આથી વન વિભાગ દ્વારા વિલંબ કર્યા વગર ત્વરિત ધોરણે પાંજરું ગોઠવીને આ આદમખોર દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

આ પણ વાંચો : Surat News : રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં 4 ડૉક્ટર સામે ફરિયાદ, પોલીસ તપાસ શરૂ