ભરૂચના જંબુસર શહેરમાં ગેરકાયદે દબાણો અને અડચણરૂપ બાંધકામો સામે વહીવટી તંત્રએ આક્રમક વલણ અપનાવ્યું છે. નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગુલીના સીધા માર્ગદર્શન હેઠળ આજે સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. શહેરના મુખ્ય એવા ટંકારીભાગોળ વિસ્તારમાં રસ્તા નડતરરૂપ અને ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે વર્ષોથી ફૂલીફાલેલા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
તંત્રનો આકરો મિજાજ
માત્ર દબાણો જ નહીં, પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રતિબંધિત બ્લેક પ્લાસ્ટિકની થેલીઓ મુદ્દે પણ તંત્રએ લાલ આંખ કરી છે. નાયબ કલેક્ટરે નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્પષ્ટ સૂચના આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આકરો દંડ વસૂલવામાં આવે. એટલું જ નહીં, જો સૂચનાનું પાલન ન થાય તો જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે. જંબુસરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા પગલાંની સ્થાનિકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.













