ગાંધીનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં જાણીતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે મૃતક ઋષભના લગ્ન માત્ર 13 દિવસ પહેલા જ થયા હતા. ત્રણ દિવસની સઘન શોધખોળ બાદ કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસને ઋષભની ગાડીમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેણે પત્નીના મોસાળ પક્ષના ચાર શખ્સો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો અને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
નવપરિણીત યુવકનો આપઘાત
આ સ્યુસાઇડ નોટના આધારે પોલીસે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓમાં કલ્પેશ ઉર્ફે તલાટી પટેલ, મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર પટેલ, અરવિંદ ઉર્ફે વિકમ પટેલ અને મહિપાલસિંહનો સમાવેશ થાય છે. ઋષભે પોતાની અંતિમ ચિઠ્ઠીમાં આ લોકોના નામ જોગ લખ્યું છે કે તેઓ તેને જીવવા દેતા ન હતા. જે ઘરમાં થોડા દિવસ પહેલા લગ્નની શરણાઈઓ વાગતી હતી, ત્યાં અત્યારે માતમનો માહોલ છે. પોલીસ હવે આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરી રહી છે.













