ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જૂનાગઢના ભવનાથમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાના આયોજન માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપા તંત્ર, કલેક્ટર, એસપી, ધારાસભ્યો અને ભવનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ DyCM એ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભવ્ય મેળો હશે. શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ 500 મીટર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુલાકાતીઓ માટે સુવિધાજનક રહેશે. આ સાથે જ મેળાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
હજારો પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત
ભક્તો અને સાધુ-સંતોની સુરક્ષા માટે તંત્ર સજ્જ છે, જેમાં 2900થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. 11 ફેબ્રુઆરીએ સંતોના આગમન પ્રસંગે એક ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવશે, જે મેળાના આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર રવેડી રૂટ પર સરકાર દ્વારા વિશેષ ડેકોરેશન અને લાઈટિંગ કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વ્યવસ્થાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને આ મેળો આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે.













