વડોદરાના પાણીગેટમાં થયેલી મોહમ્મદ હુસેનની હત્યા બાદ તેની પૂર્વ પત્ની રાહિલા મલિકે સંદેશ ન્યૂઝ સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. રાહિલાએ જણાવ્યું કે તે પોતે આ મામલે નિર્દોષ છે અને તેના બે વર્ષ પહેલા જ મોહમ્મદ હુસેન સાથે તલાક થઈ ગયા હતા. તલાક બાદ તે વિશાલ કહાર સાથે વાતચીત કરતી હતી, પરંતુ વિશાલ તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપતો હતો. રાહિલાએ સૌથી ગંભીર આરોપ પોલીસ તંત્ર પર લગાવ્યો છે કે તેણે અગાઉ પોલીસને જાણ કરી હતી કે વિશાલ કહાર કોઈ મોટું નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં અને અંતે જેનો ડર હતો તે જ કરુણતા સર્જાઈ.

રાહિલાનો ખુલાસો

રાહિલાના જણાવ્યા અનુસાર, વિશાલ કહાર તેના પર લગ્ન કરવા માટે અસહ્ય દબાણ કરતો હતો અને આ જ ઝનૂનમાં તેણે આ ખૂની ખેલ ખેલ્યો છે. રાહિલાએ રડતા રડતા કબૂલ્યું કે વિશાલનો ટાર્ગેટ કદાચ પોતે હતી, પરંતુ તેના બદલે તેના પતિએ જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાએ સમગ્ર વડોદરામાં ચકચાર મચાવી દીધી છે અને હવે રાહિલાએ માંગ કરી છે કે હત્યારા વિશાલ કહારને કડકમાં કડક સજા મળવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું પગલું ન ભરે. પોલીસ હવે રાહિલાના આ નિવેદનને આધારે તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે.