વડોદરાના કરજણ પાસે આવેલા ધાવટ ચોકડી બ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં રસ્તા પર ઉભેલા એક ડમ્પરની પાછળ લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ લક્ઝરી બસ 22 જેટલા મુસાફરોને લઈને અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો આગળનો ભાગ ડમ્પર પાછળ એટલો જોરથી અથડાયો હતો કે બસના પરખચ્ચા ઉડી ગયા હતા.
બસ અને ડમ્પર વચ્ચે ટક્કર
આ અકસ્માતમાં અન્ય 10 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાઈવે પર ડમ્પર ઉભું હતું અને અંધારામાં અથવા ગફલતને કારણે બસ ડ્રાઈવર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા આ હોનારત સર્જાઈ હતી. પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.













