દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પૂરઝડપે દોડતા વાહનો વચ્ચે ફરી એકવાર લોહીયાળ અકસ્માત સર્જાયો છે. ભરૂચના આમોદ તાલુકાના કુરચણ ગામ નજીક એક XUV કાર ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ભરૂચ એક્સપ્રેસ વે પર અકસ્માત
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રહેતા અને દર્શનાર્થી પરિવાર નાથદ્વારાથી ભગવાન શ્રીનાથજીના દર્શન કરી પોતાની XUV કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આમોદના કુરચણ ગામ પાસે એક્સપ્રેસવે પર આગળ જતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.
એક પ્રોઢનું ઘટનાસ્થળે મોત
આ દુર્ઘટનામાં કારમાં ક્લીનર સાઈડ (ખાલી સાઈડ) પર બેઠેલા જયેશભાઈ વલ્લભભાઈ (ઉંમર વર્ષ 51) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વધુ પડતી ઝડપ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: હાઈ-સિક્યોરિટી ઝોન એવા શાહીબાગ આર્મી કેમ્પમાં ચોરી, ટેલિફોન કેબલ કાપી તસ્કરો પલાયન