નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ભરૂચના ઝાડેશ્વર ઓવરબ્રિજ પર એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર ઉભેલા એક બ્રેક ડાઉન કન્ટેનરની પાછળ પૂરપાટ ઝડપે આવતો આઈશર ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો.


ઝાડેશ્વર ઓવર બ્રિજ પર અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, એક કન્ટેનર ટેકનિકલ ખામીના કારણે ઝાડેશ્વર ઓવરબ્રિજ પર સાઈડમાં ઉભું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા આઈશર ટેમ્પોના ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો સીધો કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે આઈશર ટેમ્પોના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો.

અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી

ઘટનાની જાણ થતા જ ભરૂચ પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ કટર અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને સહી-સલામત રીતે બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે બ્રિજ પર થોડો સમય માટે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો.
આ પણ વાંચો: Vadodara: સાવલીના આસોજમાં નકલી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું, LCBના દરોડામાં બે આરોપીઓની ધરપકડ

  • Follow us on: