આમોદ તાલુકાના દાંડા ગામે લોહીના સંબંધો નહીં પણ મૈત્રીના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચાર મિત્રોએ ભેગા મળીને 26 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરૂઆતમાં અકસ્માત મોત જણાતી આ ઘટનામાં આમોદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મર્ડરનો ભેદ ઉકેલાયો છે.


મિત્રોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

દાંડા ગામના નિશાળ ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય વિષ્ણુભાઈ પ્રવીણભાઈ વસાવા 15મી જાન્યુઆરીના રોજ ઘરે આવ્યા બાદ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 17મી જાન્યુઆરીની વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

પિતાની શંકાએ ઉકેલ્યો હત્યાનો ભેદ

યુવાનનું મોત કુદરતી કે અકસ્માત હોવાનું મનાતું હતું, પરંતુ મૃતકના પિતા પ્રવીણભાઈ વસાવાને પુત્રના શરીર પરના નિશાન અને સંજોગો જોઈને શંકા ગઈ હતી. તેમણે આમોદ પોલીસને જાણ કરતા પોલીસે તુરંત કાર્યવાહી કરી લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે વિષ્ણુભાઈનું મોત અકસ્માતે નહીં, પણ ગંભીર માર મારવાને કારણે થયું હતું.

જમવા બાબતે થયો હતો ઝઘડો

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ઘટનાના દિવસે વિષ્ણુભાઈ અને તેમના મિત્રો વચ્ચે જમવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચાર મિત્રોએ વિષ્ણુભાઈને બેરહેમીથી માર માર્યો હતો, જેના કારણે તેમને આંતરિક ઈજાઓ થઈ હતી અને અંતે તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ

આમોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ગામના જ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રાહુલ ઉર્ફે મેહુલભાઈ પ્રવીણભાઈ વસાવા,ભૂમિત અરવિંદભાઈ વસાવા,અલ્પેશ ચંદુ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે મિત્રો સાથે યુવાન હરતો-ફરતો હતો, તે જ મિત્રો તેના કાળ સાબિત થતા સમગ્ર દાંડા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


 આ પણ વાંચો: ખોખરામાં ધોળે દિવસે ઘરમાં ઘુસીને મહિલાના ગળામાંથી ચેઈન તોડી સ્નેચરો ફરાર


  • Follow us on: