ભરૂચ શહેરમાં સોમવારના રોજ હવાની ગુણવત્તા (Air Quality Index - AQI) માપવા માટે કલેક્ટર કચેરીની બહાર લગાવવામાં આવેલા ડિસ્પ્લે બોર્ડ પર અસામાન્ય રીતે ઊંચો આંકડો જોવા મળતાં લોકોમાં ભય અને કુતુહલ વ્યાપી ગયું હતું. ઔદ્યોગિક વસાહતો ધરાવતા ભરૂચનો AQI આંક 500ને પાર કરી ગયો હોવાનું બોર્ડ દર્શાવતું હતું, જે દિલ્હીના પ્રદૂષણ સ્તર કરતાં પણ વધુ ગંભીર સ્થિતિ સૂચવે છે.

 AQI 513 પર પહોંચતા લોકો ચોંકી ઉઠ્યા

સામાન્ય રીતે ભરૂચ શહેરનો AQI આંક 135 થી 150 ની આસપાસ રહેતો હોય છે, જે મધ્યમ અથવા સંતોષકારક શ્રેણીમાં ગણાય છે. પરંતુ, કલેક્ટર કચેરીની સામે નવા સર્કલ પાસે મૂકવામાં આવેલા ડિસ્પ્લે બોર્ડ પર સોમવારના રોજ AQI 513 બતાવવામાં આવ્યો હતો. આની સાથે PM 2.5 (હવામાંના અતિસૂક્ષ્મ રજકણો)ની માત્રા પણ 192 બતાવતી હતી. આટલો ઊંચો આંકડો જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા અને હવાની ગુણવત્તાને લઈને ભય ફેલાયો હતો.

 પાલિકાનો દાવો ડિસ્પ્લે બોર્ડમાં ખામી

આ ગંભીર આંકડાઓ અંગેની જાણ થતાં જ પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરાવી હતી. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ખરેખરમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ નથી, પરંતુ ડિસ્પ્લે બોર્ડના સેન્સર અથવા સિસ્ટમમાં ખામી હોવાને કારણે આંકડા ખોટા દર્શાવી રહ્યા હતા.

AQI બોર્ડ ધૂળના નાના રજકણોને ખેંચીને માપે 

AQI બોર્ડ ધૂળના નાના રજકણોને ખેંચીને માપે છે અને સેન્સર દ્વારા ડેટા કમ્પ્યુટર મોડ્યુલને મોકલે છે. નિષ્ણાતોના મતે, આ ઘટનામાં કદાચ સેન્સર પર ધૂળના રજકણો અથવા ઝાકળના પાણીના કારણે સેન્સર ખરાબ થઈ ગયું હોઈ શકે છે, જેના કારણે AQI મૂલ્ય ખોટું આવ્યું હતું. આ ડેટા GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના સર્વર સુધી પણ મોકલવામાં આવતા હોય છે. આશ્વાસન માટે, પાલિકાએ દાવો કર્યો છે કે હકીકતમાં હવાની ગુણવત્તામાં કોઈ મોટો બગાડ થયો નથી અને બોર્ડમાં રહેલી ખામીને દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડા પર છબરડો, રદ કરાયેલું પેપર ફરીથી આપવામાં આવ્યું