સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો વધુ એક ગંભીર છબરડો સામે આવ્યો છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનો સમય બગડ્યો હતો. જે પેપરને અગાઉ રદ કરવું પડ્યું હતું, તે જ પેપર ફરીથી લેવામાં આવેલી પરીક્ષામાં ભૂલથી આપી દેવામાં આવ્યું હતું. આ ઘટના યુનિવર્સિટીની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કરે છે.
અગાઉનું પેપર થયું હતું રદ
આ સમગ્ર મામલો બીસીએ સેમેસ્ટર-5ના પ્રોગ્રામિંગ ઇન પાઇથોન વિષયના પેપરનો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 12મી નવેમ્બરના રોજ આ પરીક્ષા લેવાઈ હતી, જેમાં પેપર આઉટ થવાના અથવા જામનગરની કોલેજનું બેઠું પેપર આપી દેવાના વિવાદને કારણે યુનિવર્સિટીએ તે પરીક્ષા રદ કરવી પડી હતી.
બેઠું પેપર ફરીથી અપાયું
રદ કરાયેલા પેપરની ફરીથી પરીક્ષા 22મી નવેમ્બરના રોજ લેવામાં આવી હતી. જોકે, પરીક્ષા વિભાગની બેદરકારીને કારણે આ ફરીથી લેવાયેલી પરીક્ષામાં પણ 12મી નવેમ્બરનું એનું એ જ પેપર કોલેજોને મેઇલ દ્વારા મોકલી દેવામાં આવ્યું હતું.
2200 વિદ્યાર્થીઓનો અડધો કલાક બગડ્યો
આ ભૂલ અલગ-અલગ ત્રણથી ચાર કોલેજોના સંચાલકોના ધ્યાનમાં આવતાં તેમણે તાત્કાલિક પરીક્ષા વિભાગને જાણ કરી હતી. સદનસીબે, કોલેજના સંચાલકોને પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે પહેલાં જ ભૂલની જાણ થઈ ગઈ હતી. જોકે, આ છબરડાના કારણે આશરે 2200 જેટલા વિદ્યાર્થીઓનો અડધો કલાક બગડ્યો હતો. કોલેજોની જાણ બાદ પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક નવું પેપર મેઇલ દ્વારા મોકલવામાં આવ્યું હતું, જેના પછી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઈ શકી હતી.
આ પણ વાંચો: ખાટુ શ્યામ મંદિરમાં ચોરી કરનાર 16 ગુનામાં સંડોવાયેલો રીઢો તસ્કર ઝડપાયો