ભરૂચ જિલ્લામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એસીબી (ACB) સતર્ક બની છે. દહેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી ક્રિપાલસિંહ સોલંકીએ એક મૃતકના પરિવાર પાસેથી કામ કરી આપવાના બદલામાં લાંચની માંગણી કરતા અંતે એસીબીએ તેમને ટ્રેપ કરીને ઝડપી લીધા છે.

ભરૂચ ACBની મોટી કાર્યવાહી

જાન્યુઆરી 2026માં એક ખાનગી કંપનીમાં બાંધકામ દરમિયાન અકસ્માતે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે અંગે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ મૃતકના પરિવારને મરણના દાખલાની જરૂર પડતા તેઓએ તલાટીનો સંપર્ક કર્યો હતો. તલાટીએ મરણના દાખલા માટે 'મોતની જાહેરાત' અને 'પીએમ (પોસ્ટમોર્ટમ) નોટ' જેવા પોલીસ કાગળોની માંગણી કરી હતી.

લાંચની માંગણી અને એસીબીનું છટકું

મૃતકનો પરિવાર જ્યારે આ દસ્તાવેજો લેવા માટે દહેજ પોલીસ મથકના પોલીસકર્મી ક્રિપાલસિંહ સોલંકી પાસે પહોંચ્યો, ત્યારે તેમણે આ કામ માટે ₹1 લાખની લાંચ માંગી હતી. લાંબી રકઝક બાદ ₹70,000 આપવાનું નક્કી થયું હતું. પરિવાર લાંચ આપવા માંગતો ન હોવાથી તેઓએ ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ગોઠવેલા છટકા મુજબ, જ્યારે પોલીસકર્મી ક્રિપાલસિંહ સોલંકી લાંચના હપ્તા પેટે ₹60,000 સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકી તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

આ પણ વાંચો:Modasa: ભિલોડા, શામળાજી તાલુકાના તળાવોની સફાઈ કરી ઊંડા કરવા ખેડૂતોની માંગણી