ભરૂચના વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કંપની પરિસરમાં કામ કરી રહેલા એક નિર્દોષ શ્રમિક પર અચાનક લોખંડનો ભારેખમ શેડ અને કાટમાળ તૂટી પડતા તેનું કરુણ મોત નીપજ્યું છે.

ગંધાર સોલ્ટ કંપનીમાં અકસ્માત 

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગંધાર સોલ્ટ કંપનીમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કંપનીમાં લાગેલો એક લોખંડનો જર્જરિત શેડ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. દુર્ભાગ્યવશ, આ શેડ અને તેનો ભારેખમ કાટમાળ સીધો ત્યાં ફરજ બજાવી રહેલા શ્રમિક પર પડ્યો હતો. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેણે ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.

બેદરકારી સામે ઉઠ્યા સવાલો

ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં કંપની મેનેજમેન્ટની બેદરકારી હોવાની આશંકા સેવાઈ રહી છે. શું આ લોખંડનો શેડ જર્જરિત હતો? શું શ્રમિકોની સુરક્ષા માટે કોઈ સાધનો આપવામાં આવ્યા હતા? આવા અનેક સવાલો હવે તપાસનો વિષય બન્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: જિમ ટ્રેનિંગના બહાને કિશોરીની છેડતી, પિતરાઈ ભાઈએ જ દાનત બગાડી આપી ધમકી