ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામમાં જમીન પચાવી પાડવા અને કરોડોની ખંડણી માંગવાના પ્રકરણમાં આમોદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને જાનથી મારી નાખવાની કોશિશ કરી, જમીન પર જતાં અટકાવી 40 લાખ રૂપિયાની ખંડણી માંગનારા ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
ખંડણી માંગવાના પ્રકરણમાં કાર્યવાહી
કેરવાડા ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ ફરિયાદીને અલગ-અલગ ફોન નંબર પરથી ફોન કરીને રૂ. 40 લાખની ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, ફરિયાદી પોતાની માલિકીની જમીનમાં ન જઈ શકે તે માટે અવરોધ ઊભો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી કોશિશ પણ કરવામાં આવી હતી.










