ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજે આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન પૂર્વે નાયબ મુખ્યમંત્રીએ નેત્રંગમાં ભવ્ય રોડ-શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.


આદિવાસી ગૌરવ સંમેલનનું ભવ્ય આયોજન

સંમેલનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ભરૂચ એટલે પ્રાચીન સમયનું ભ્રુગુકચ્છ, જેનું એક આગવું મહત્વ છે. આદિવાસી સમાજે દેશ અને ધર્મના રક્ષણ માટે ક્યારેય માથું ઝુકાવ્યું નથી. સોમનાથ મંદિરના રક્ષણ માટે આદિવાસીઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા, જેમાં વીર વેગડા ભીલની શહાદત સમગ્ર સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ અને વંદનીય રહેશે."

"ચારે ખૂણે એક જ નારો, મોદી ચાલે"

સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને જોઈને હર્ષ સંઘવીએ ભાજપના વિકાસ કાર્યો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, આજે દેશભરમાં ચારે ખૂણે એક જ નારો ગુંજી રહ્યો છે - 'મોદી ચાલે'. આ જ ભાવના સાથે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવાનો સંકલ્પ કરીએ.

નેત્રંગમાં ઉત્સાહનો માહોલ

સંમેલન અને રેલી દરમિયાન આદિવાસી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરીથી નેત્રંગનું વાતાવરણ કેસરીમય બન્યું હતું. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવાએ પણ આ પ્રસંગે આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા રાજકીય રીતે પણ ભરૂચ પંથકમાં આદિવાસી મતોને મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Deesa: 5 વર્ષની બાળકી પર ભૂંડનો જીવલેણ હુમલો, મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ


  • Follow us on: