ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં સગીરા પર દુષ્કર્મની શરમજનક ઘટના સામે આવી છે. છેલ્લા 7 મહિનાથી સગીરાને ભગાડી જનાર 26 વર્ષીય યુવાનની વેડચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


જંબુસરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના

મળતી માહિતી મુજબ, વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી આશરે સાત મહિના પહેલા એક સગીર વયની દીકરી ગુમ થઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 26 વર્ષીય જગદીશ બીજલભાઈ વાઘેલા નામનો શખ્સ સગીરાને લલચાવી-ફોસલાવી પોતાની સાથે ભગાડી ગયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

આરોપી જગદીશ વાઘેલા સગીરાને અજ્ઞાત સ્થળે રાખી છેલ્લા સાત મહિનાથી સતત પોતાની હવસનો શિકાર બનાવી રહ્યો હતો. સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આ મામલે પોલીસ સતર્કતાથી તપાસ કરી રહી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વેડચ પોલીસે આરોપી જગદીશની ધરપકડ કરી છે અને સગીરાને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી છે.

સગીરાને લલચાવી ભગાડી ગયો 

વેડચ પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવી તેને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Bharuch: જંબુસરમાં 65 વર્ષીય વૃદ્ધનો આપઘાત, એસિડ પી લેતા સારવાર દરમિયાન દમ તોડ્યો

  • Follow us on: