ઉનાળુ વેકેશનમાં ફરવા જવાની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે. ભાવનગરથી હિમાચલ પ્રદેશના મનાલી ખાતે પ્રવાસે ગયેલા લલિતભાઈ ફતનાની અને તેમના પરિવારને ચંબા જિલ્લામાં ગંભીર અકસ્માત નડ્યો છે.28 નંબરના હાઈવે પર કાંકરિયા તાલુકાના કિંકરી ગામ નજીક તેમનું વાહન બેકાબૂ થઈ ઊંડી ખાઈમાં ખાબકતા પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવ્યા છે.
https://www.instagram.com/reel/DYMlQ2LHGxj/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
વહેલી સવારે સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી મુજબ, ભાવનગરથી કુલ 9 લોકો મનાલી ફરવા માટે ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ મનાલી બેલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચંબા જિલ્લાના હાઈવે પર તેમનું વાહન અચાનક ખાઈમાં ખાબક્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
રેસ્ક્યૂ ઓપરેશન અને બચાવ
દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાહનમાં સવાર ૯ લોકોમાંથી ૪ સભ્યોને સલામત રીતે બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં મયંકભાઈ ફતનાની, ફોરમબેન, જિયાંશ અને પ્રિયાંશીનો સમાવેશ થાય છે. જોકે, પરિવારના અન્ય 5 સભ્યોને બચાવી શકાયા નથી.
મૃતકોની યાદી:
1) લલિતભાઈ ફતનાની
2) સોનિયાબેન લલિતભાઈ ફતનાની
3) પ્રિયંકભાઈ ભોપાણી
4) કાજલબેન ભોપાણી
5) દિવ્યાંશુ ભોપાણી (બાળક)
આ ઘટનાની જાણ ભાવનગર થતા જ પરિવારના સ્નેહીજનો અને પડોશીઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. હાલમાં મૃતદેહોને વતન લાવવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Surat: લિંબાયતમાં હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ચાકુથી હુમલો, પી.આઈ. ચોહાણે ફાયરિંગ કરતા આરોપી ઘાયલ