શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાના આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થતા પોલીસે શસ્ત્ર ઉગામવાની ફરજ પડી હતી. સંજયનગર ખાતે થયેલી અનુરાજ ઉર્ફે રાજાની હત્યાના મામલે વોન્ટેડ આરોપી રાહુલકુમાર સંજયનાથ જોગીએ પોલીસ પર હુમલો કરતા મામલો બિચક્યો હતો.
પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો
લિંબાયત પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મુકેશ રવિન્દ્રભાઈ બાગુલ જ્યારે આરોપી રાહુલ જોગીને પકડવા માટે પહોંચ્યા, ત્યારે આરોપીએ પોતાની પાસે રહેલા ચાકુ વડે કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પોલીસ જવાનને ઇજાઓ પહોંચી હતી.
પી.આઈ. દ્વારા સ્વબચાવમાં ફાયરિંગ
પોલીસ જવાન પર હુમલો થતા અને સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ લિંબાયત પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.ડી. ચોહાણે ત્વરિત નિર્ણય લીધો હતો. તેમણે પોતાના સ્વબચાવમાં અને આરોપીને રોકવા માટે સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આરોપી રાહુલ જોગીના પગના ભાગે ગોળી વાગતા તે નીચે ઢળી પડ્યો હતો.
બંને હોસ્પિટલ હેઠળ સારવારમાં
ઘટના બાદ ઇજાગ્રસ્ત આરોપી રાહુલ જોગીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ચાકુના હુમલામાં ઘાયલ થયેલા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Surat: લક્ઝરી કારો ચોરીને વેચી દેનારી ગેંગનો પર્દાફાશ, વર્ષ 2022થી વોન્ટેડ આંતરરાજ્ય તસ્કર ઝડપાયો