હોળી અને ધૂળેટી સહિતના ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી યાર્ડમાં 7 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હરાજીની તમામ કામગીરી બંધ રહેશે.


8 માર્ચ સુધી કામકાજ ઠપ્પ

યાર્ડના સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, 8 માર્ચ સુધી ધાર્મિક તહેવારોના કારણે અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાં અને ડુંગળી સહિતની તમામ જણસીઓની હરાજી બંધ રહેશે. તહેવારોના દિવસોમાં મજૂરો અને વેપારીઓની ગેરહાજરીને જોતા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન રાખવામાં આવ્યું છે.

9 માર્ચથી ફરી ધમધમશે યાર્ડ

માર્કેટિંગ યાર્ડમાં ફરીથી રાબેતા મુજબનું કામકાજ 9 માર્ચ, સોમવાર થી શરૂ કરવામાં આવશે. જોકે, જે ખેડૂતો પોતાની જણસી વેચવા લાવવા માંગતા હોય, તેઓ માટે 8 માર્ચ, રવિવાર થી યાર્ડમાં જણસીની આવક લેવાનું શરૂ કરી દેવામાં આવશે, જેથી સોમવારે સવારથી જ હરાજી પ્રક્રિયા સરળતાથી ચાલી શકે.

ખેડૂતોને ખાસ અપીલ

યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ અને ખેડૂતોને પત્ર દ્વારા અગાઉથી જ જાણ કરી દીધી છે કે રજાના દિવસો દરમિયાન કોઈએ પોતાની જણસી લઈને યાર્ડમાં આવવું નહીં. આ નિર્ણયથી ખેડૂતોને હાલાકી ન પડે અને તેઓ તહેવારની ઉજવણી કરી શકે તેવો હેતુ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Junagadh: T-20 વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ઝડપાયું, માસ્ટર આઈડી દ્વારા ચાલતા ખેલનો પર્દાફાશ

  • Follow us on: