હાલમાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપની મેચો દરમિયાન ઓનલાઇન સટ્ટાખોરો સક્રિય થયા છે. જૂનાગઢ પોલીસે બાતમીના આધારે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો મોટો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે.


પાકિસ્તાન-શ્રીલંકાની મેચ પર રમાતો હતો સટ્ટો

પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે આરોપી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટી-20 મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યો હતો. આ સટ્ટો 'માસ્ટર આઈડી' ના માધ્યમથી ચલાવવામાં આવતો હતો, જેનું નેટવર્ક છેક સુરત સુધી જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન સુરતના એક શખ્સની સંડોવણી પણ ખુલ્લી છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.

રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી સટ્ટામાં વપરાતા મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી દ્વારા કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી અને તેની સાથે બીજા કેટલા લોકો જોડાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મોટું નેટવર્ક હોવાની આશંકા

પ્રાથમિક તપાસમાં માસ્ટર આઈડી દ્વારા અનેક ગ્રાહકોને સટ્ટો રમાડવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. આગામી સમયમાં જૂનાગઢ અને સુરતના વધુ કેટલાક શખ્સોના નામો આ કૌભાંડમાં ખુલે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો:Surat: હોળી-ધૂળેટીના પર્વે ST વિભાગને 'ચાંદી જ ચાંદી', લાખો મુસાફરો વતને પહોંચ્યા, નિગમની તિજોરી છલકાય


  • Follow us on: