ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધીયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ વધુ એક સફળતા મેળવી છે. SIT એ આ મામલે તપાસ તેજ કરી પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામના રહેવાસી સંજય ચાવડા નામના આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ SIT દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા બે થઈ છે, જ્યારે સમગ્ર હુમલાની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને પોલીસ સકંજામાં લઈ લેવામાં આવ્યા છે. SIT દ્વારા કરવામાં આવી રહેલી ઝીણવટભરી તપાસને કારણે હુમલાખોરોમાં ફફડાટ ફેલાયો છે.

બગદાણા સનસનાટી

નવનીત બાલધીયા પર થયેલા હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી, જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી. તપાસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે સંજય ચાવડાને ઝડપી પાડ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને હુમલાનું ચોક્કસ કારણ શું હતું. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં હજુ પણ વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ આ કેસમાં કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી.