પંજાબના ભટિન્ડા જિલ્લાના ગુડતરી ગામ પાસે આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં ગુજરાતના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને દિયોદર તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ભારતમાં પડી રહેલા ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા પોલીસ કર્મચારી સહિત કુલ 5 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જેને પગલે સમગ્ર બનાસકાંઠા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વાવ-થરાદ પંથકમાં આક્રંદ
પ્રાપ્ત વિગતો મુજબ, આ શ્રદ્ધાળુઓ પંજાબના ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે ગયા હતા, પરંતુ કાળમુખા ધુમ્મસને કારણે વહેલી સવારે તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પરિવારજનોને જાણ કરવામાં આવી છે. હજુ ગઈકાલ સુધી જે ઘરોમાં ખુશીનો માહોલ હતો, ત્યાં આજે પાંચ-પાંચ સભ્યોના મોતના સમાચાર આવતા આખું ગામ હિબકે ચઢ્યું છે.













