ગુજરાત એસીબી દ્વારા ભાવનગર જિલ્લાના મહુવાના તત્કાલીન મામલતદાર જયેશકુમાર ચીમનલાલ મહેતા (જે.સી. મહેતા) વિરુદ્ધ લાંચની માંગણી કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિવૃત્ત થઈ ચૂકેલા આ અધિકારીએ ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસની વિગત મુજબ, ફરિયાદી મહુવા તાલુકાની એક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક તરીકે સેવા આપે છે. તેમનું કામ શાંતિથી ચાલવા દેવા અને કોઈ પણ પ્રકારના વાંધા ઊભા કરી હેરાન-પરેશાન ન કરવાના બદલામાં તત્કાલીન મામલતદાર જે.સી. મહેતાએ 50,000ની લાંચની માંગણી કરી હતી.
ACBની કાર્યવાહી અને છટકું
આરોપી મામલતદારે કુલ માંગણી પૈકી 10,000ની રકમ ગત તા. 01/01/2024ના રોજ સ્વીકારી લીધી હતી. બાકી રહેતી 40,000ની રકમ લાંચના છટકા દરમિયાન કોઈ કારણોસર સ્વીકારી નહોતી. જોકે, લાંચની માંગણી કરવી એ પણ ગુનો હોવાથી, એસીબીના પી.આઈ. આર.ડી. સગર અને તેમની ટીમે મહુવા મામલતદાર બંગલા ખાતે તપાસ હાથ ધરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ
રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી અંગત આર્થિક લાભ મેળવવાના આ કિસ્સાએ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. એસીબી દ્વારા હવે આ મામલે ઊંડી તપાસ કરવામાં આવી રહી છે કે શું અન્ય કોઈ કર્મચારીઓ પણ આમાં સામેલ હતા કે કેમ.
આ પણ વાંચો--- Ambaji : ત્રિશુળિયા ઘાટ પર ટ્રકની બ્રેક ફેલ થતા ભયાનક અકસ્માત સર્જાયો, મજબૂત રેલિંગે ચાલકનો જીવ બચાવ્યો