ભાવનગર શહેરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવ પાસે રિક્ષા પાર્કિંગ અને ભાવનગર મનપા દ્વારા કરવામાં આવતી દંડની કાર્યવાહીને લઈને રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજે 'ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઇવર સંગઠન' દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે ભાવનગરના મેયરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગંગાજળિયા તળાવ પાસેની કાર્યવાહીનો વિરોધ
ઘટનાની મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા ગંગાજળિયા તળાવ પાસે રિક્ષા ઉભી ન રાખવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આટલું જ નહીં, અહીં રિક્ષા ઉભી રાખતા ચાલકો પાસેથી ભાવનગર મનપા દ્વારા દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે. સંગઠનનો આક્ષેપ છે કે, રિક્ષા ચાલકો પાસે યોગ્ય સ્ટેન્ડની સુવિધા ન હોવા છતાં તેમની પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
6500 પરિવારોના ગુજરાનનો પ્રશ્ન
રજૂઆત દરમિયાન સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં 6500 થી વધુ રિક્ષા ચાલકો દિવસ-રાત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાવનગર મનપા દ્વારા અવારનવાર કરવામાં આવતી દંડની કાર્યવાહીને કારણે સામાન્ય રિક્ષા ચાલકોની આર્થિક કમર તૂટી રહી છે. જો રિક્ષા ચાલકોને યોગ્ય જગ્યાએ ઊભા રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો આટલા મોટા પ્રમાણમાં રિક્ષા ચાલકો ક્યાં જશે તે એક મોટો પ્રશ્ન છે.
ચાલકોની એકતા અને માંગણી
આવેદનપત્ર પાઠવવા માટે ભાવનગરના રિક્ષા ચાલકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે મેયર સમક્ષ માગ કરી છે કે, રિક્ષા ચાલકોને હેરાન કરવાનું બંધ કરવામાં આવે અને ગંગાજળિયા તળાવ સહિતના મુખ્ય વિસ્તારોમાં રિક્ષા પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. મેયરે આ બાબતે યોગ્ય તપાસ કરી રિક્ષા ચાલકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો - Bhavnagar News: પોલીસ સાથે મારામારી કેસમાં માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ