ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. ઘોઘાગેટ પોલીસ ચોકીની બિલકુલ સામે જ અસામાજિક તત્વોએ સિટી બસમાં તોડફોડ કરી ડ્રાઇવરને માર મારતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં સિટી બસના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ
મળતી વિગતો અનુસાર, વહેલી સવારે સિટી બસ પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં નડતરરૂપ ઊભેલી રીક્ષાના ચાલકને સાઇડમાં લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે અસામાજિક તત્વોએ ઘોઘાગેટ પોલીસ ચોકીની સામે જ સિટી બસના ચાલક પર હુમલો કરી દીધો હતો અને બસમાં તોડફોડ કરીને લોખંડી કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા.
