ગુજરાતનો લાંબો દરિયાકાંઠો નશાના સોદાગરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો હોય તેમ વધુ એકવાર દ્વારકાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસને પેટ્રોલિંગ દરમિયાન રૂપેણ બંદર નજીકથી કરોડો રૂપિયાની કિંમતનું ચરસ મળી આવતા કાયદાકીય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

પકડાવાના ડરે ચરસ છોડી ભાગ્યા

મળતી વિગતો અનુસાર, SOG પોલીસની ટીમ જ્યારે રૂપેણ બંદર વિસ્તારમાં સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગમાં હતી, ત્યારે દરિયાકાંઠે બિનવારસુ હાલતમાં શંકાસ્પદ એક પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટની તપાસ કરતા તેમાંથી 1230 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની કિંમત આશરે 61 લાખ 50 હજાર રૂપિયા હોવાનું આંકવામાં આવ્યું છે. પોલીસનું અનુમાન છે કે, દરિયામાં કે દરિયાકાંઠે કડક સુરક્ષા જોઈને પકડાઈ જવાના ડરથી કોઈ અજાણ્યો શખ્સ આ જથ્થો અહીં જ છોડીને ભાગી ગયો હોઈ શકે છે.

NDPS હેઠળ ગુનો દાખલ

દ્વારકા પોલીસે આ મામલે અજાણ્યા ઇસમ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચરસ ક્યાંથી આવ્યું અને તેને કોણ લાવી રહ્યું હતું તે દિશામાં આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Morbi: ભાડું ન ચૂકવી શકતા પિતાએ દીકરીનો સોદો કર્યો, મકાન માલિકે માતા-પુત્રી બંને પર આચર્યું દુષ્કર્મ