ભાવનગર શહેરમાં આગામી 1લી ફેબ્રુઆરીના રોજ યોજાનારી કોળી સમાજની ન્યાય સભા પૂર્વે જ અજ્ઞાત તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે. નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે એકઠા થઈ રહેલા સમાજને ઉશ્કેરવા માટે રાત્રિના સમયે ન્યાય સભાના પ્રચાર પોસ્ટરો ફાડી નાખવામાં આવતા ભારે ચકચાર મચી છે.

અસામાજિક તત્વોએ પોસ્ટરો ઉખાડી કાઢ્યા

કોળી સમાજ દ્વારા ભાવનગરના હાદાનગર અને આસપાસના વિસ્તારોમાં 1લી ફેબ્રુઆરીની મહાસભાના પ્રચાર માટે મોટા પાયે પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા. જોકે, ગત રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વોએ આ પોસ્ટરો ઉખાડી નાખ્યા હતા અને કેટલાક સ્થળે તેને ફાડીને ફેંકી દીધા હતા. આ ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો અને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં અજાણ્યા શખ્સો રાત્રિના અંધકારનો લાભ લઈ પોસ્ટરો ફાડતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા જ સમાજમાં રોષની લાગણી વધુ પ્રબળ બની છે. સ્થાનિકોનું માનવું છે કે, ન્યાય સભાને નિષ્ફળ બનાવવા અથવા સમાજની એકતાને ડગાવવા માટે આ પ્રકારનું હીન કૃત્ય કરવામાં આવ્યું છે.


  • Follow us on: