જામનગર શહેરમાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે આજે વહેલી સવારે વીજચોરો માટે ઠંડીમાં ગરમી જેવો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડની ટીમોએ શહેરના યાદવનગર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરીને વીજચોરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.

વહેલી સવારે જ PGVCLનું સરપ્રાઇઝ ચેકિંગ

સામાન્ય રીતે શિયાળાની સવારે લોકો ઠંડીના કારણે મોડે સુધી ઘરમાં રહેતા હોય છે, આ બાબતનો લાભ લઈને અનેક તત્વો ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરતા હોય છે. આ વ્યૂહરચનાને માત આપવા માટે PGVCL એ અર્લી મોર્નિંગ ઓપરેશનની રણનીતિ અપનાવી હતી. સૂર્યોદય પહેલા જ વિજતંત્રની અલગ-અલગ ટુકડીઓ યાદવનગર વિસ્તારમાં ત્રાટકી હતી.

રહેણાંક અને કોમર્શિયલ પર તવાઈ

આ ચેકિંગ ડ્રાઈવ માત્ર ઘરો પૂરતી મર્યાદિત નહોતી. તંત્રએ રહેણાંક વિસ્તારોની સાથોસાથ કોમર્શિયલ એકમો અને નાની દુકાનોમાં પણ વીજ મીટરોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મીટર સાથે ચેડાં, ડાયરેક્ટ લંગરિયા નાખીને થતી વીજચોરી અને મંજૂર લોડ કરતા વધુ વપરાશ કરતા આસામીઓ સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સરપ્રાઇઝ ચેકિંગથી વીજચોરોમાં નાસભાગ

સવારના સમયે જેવા વિજતંત્રના વાહનો વિસ્તારમાં દાખલ થયા, ગેરકાયદે વીજ વપરાશ કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અનેક લોકોએ ઉતાવળે લંગરિયા હટાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સતર્ક PGVCL સ્ટાફે વીડિયોગ્રાફી સાથે પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


  • Follow us on: