સ્ટેટ સાયબર સેલે વિશાળ કામગીરી હાથ ધરી ભાવનગરમાં ઇન્ટરનેશનલ સાયબર રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે. ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકની ભાવનગર શાખા સુધી કૌંભાડનો રેલો પહોંચ્યો છે. આ મામલે બેંકના રીલેશનશીપ મેનેજર, બેંક કર્મચારી અને અન્ય મળી કુલ 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વધુ 130 શંકાસ્પદ બેંક ખાતા મળી આવ્યા
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે બેંકના 110 શંકાસ્પદ ખાતાઓમાં કુલ 8 કરોડ રૂપિયા જમા થયા હતા. બાદમાં વિસ્તૃત તપાસ કરતાં વધુ 130 શંકાસ્પદ બેંક ખાતા મળી આવ્યા, જેમાં દેશભરના 1447 લોકો સાયબર ફ્રોડના ભોગ બન્યા હોવાની ફરિયાદ એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાઈ છે.
719 કરોડના સાયબર ફ્રોડનો ખુલાસો
સાયબર સેલે આ રેકેટની ગૂંચવણ ઉકેલીને કુલ 719 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. તપાસ મુજબ આ રકમ વિવિધ શંકાસ્પદ બેંક ખાતાઓમાં જમા થઈ ત્યારબાદ તેને રોકડ રકમમાં કે પછી ક્રિપ્ટો કરન્સી—ખાસ કરીને USDT—માં કન્વર્ટ કરીને દૂબઈ સ્થિત વોલેટ્સમાં મોકલી આપવામાં આવતી હતી.
બેંક કર્મચારીઓની સંડોવણી
પોલીસે આઠ મહિના થી ફરજ બજાવતા રીલેશનશીપ મેનેજર પાર્થ ઉપાધ્યાય તથા પૂર્વ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર અબુબકરબિન અલીભાઈ શેખની પૂછપરછ શરૂ કરતા કૌભાંડનો ખુલાસો થયો છે. બેંકની આંતરિક સુવિધાઓનો દુરુપયોગ કરી વિવિધ લોકોના દસ્તાવેજો, ખાતાઓ તથા ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાનો ઉપયોગ સાયબર ઠગાઈને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકો કમિશનના લાલચે જોડાયા
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક સ્થાનિક લોકો ખાતા ખોલાવવા અને નાણાં ટ્રાન્સફર કરવા માટે કમિશન મેળવવા સાથે મદદરૂપ બનતા હતા. જેના કારણે રેકેટને સ્થાનિક સ્તરે મજબૂત નેટવર્ક ઉભું કરવું શક્ય થયું હતું.
સાયબર સેલની વિશેષ ટીમ તપાસમાં જોડાઈ
મહાકૌભાંડના ખુલાસા બાદ સાયબર સેલે બેંકના ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ખાતાઓ, KYC દસ્તાવેજો અને આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો ટ્રાન્સફરની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. વધુ લોકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો--- AHmedabad News : ગુજરાત હાઈકોર્ટમાં ફરી બોમ્બની ધમકી, ઈમેલ મળતા જ સુરક્ષા એજન્સીઓ સક્રિય, તપાસ શરૂ